અહિંસા અને યુદ્ધ : એક જ સિક્કાની બે બાજુ

શાશ્વત સંદેશ માંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અહિંસા અને યુદ્ધ : એક જ સિક્કાની બે બાજુ
યોગેશ કવીશ્વર


આજકાલ દેશ ભક્તોમાં અહિંસા અને યુદ્ધની નીતિને લઈને ઘણી જ ભ્રમણાઓ જોવા મળે છે અને કેટલાક તો અહિંસા અને યુદ્ધને એકબીજાના વિરોધી પરિબળો માને છે તો આ જ કારણને આગળ ધરીને કેટલાક લોકો દ્વારા અહિંસાનો વિરોધ કરવામાં આવતો હોય તેવું પણ જાેવા મળે છે.. વળી, કેટલાક લોકો અહિંસાને કાયરતા માને છે. આ રીતે ભ્રમણા ઉત્પન્ન થવી સ્વાભાવિક છે. આપણે અહિંસા અને યુદ્ધ વિશે અહીં ચિંતનમનન કરીએ.

પ્રશ્ન: આપણે જીવનમાં અહિંસાની આવશ્યક્તા છે કે યુદ્ધની? સ્પષ્ટ જણાવશો. કોઈ ગોળ ગોળ વાત ન કહેતા.

ઉત્તર: સમગ્ર વિશ્વ અને માનવજાતિની મૂળ આવશ્યક્તા શાંતિની, સુખની, આનંદની છે. અશંતિ, દુઃખ અને વિશાદ કોઈને પણ ગમતા નથી. કારણ કે શાંતિ અને સતચિતઆનંદ એ આપણા આત્માનો સ્વભાવ છે. આ સ્થિતિ કાયમી જળવાઈ રહેતી નથી. કેટલીક પરિસ્થિતિઓ, કેટલાક તત્વો અને કેટલાક પરિબળો એવા ઉત્પન્ન થાય છે કે તેને દૂર કરવા માટે આપણે તેની સાથે સ્થૂળ કે આંતરિક યુદ્ધમાં ઊતરવું જ પડે છે. તેનો નાશ કરવો એ શાંતિની સ્થાપના માટે અનિવાર્યરુપેણ આવશ્ક્યતા બની જાય છે. તેથી તેની સામે યુદ્ધ કરવા, તેનો સામનો કરીને તેને હઠાવવા માટે આપણે સશક્ત બનવું પડશે. એટલે યુદ્ધ તો સદાય ચાલ્યા જ રાખે છે અને આપણે તેને ટાળી શકતા નથી. એટલે એ આવશ્યક છે.

બીજી તરફ હંમેશા ગમે તેની સાથે લડવાની વૃત્તિ, વાત વાતમાં વિરોધ કરવાની વૃત્તિ, બીજાને દબાવવા, મારવા અને પીડવાની વૃત્તિ કે યેનકેન રીતે હિંસાત્મક પ્રવૃત્તિ જ કરવી તે પ્રકારની વૃત્તિ ન તો વ્યક્તિને પોતાને શાંતિ આપી શકે છે કે ન તો સમાજને શાંતિ આપી શકે છે. આવા લોકો પોતે જ સમાજ માટે દૂષણ બની જાય છે. તે જ્યાં પણ જાય ત્યાં શાંતિ અને સુખાકારીને પલીતો ચાંપી દે છે. ધર્મની રક્ષા માટે મહાભારત જેવા મોટા મોટા યુદ્ધો થયાં છે પણ અંતે તો વિશ્વને શાંતિની નિતાંત આવશ્યક્તા રહે જ છે. એટલે આપણે જીવનમાં નીડર, મક્કમ અને અનિષ્ટ તત્વો સામે લડવા માટે સક્ષમ તો બનવાનું જ છે પણ માત્ર ને માત્ર યુદ્ધ જ કર્યે રાખ્યે ચાલી શકશે નહીં. કારણ વગર આપણે કોઈને પણ ન નડીએ, નુકસાન ન પહોચાડીએ, હિંસા ન કરીએ વગેરે સદ્દગુણોને કેળવવા જાેઈએ.

આમ જીવનમાં યુદ્ધ અને અહિંસા એ બન્નેની એટલી જ આવશ્યક્તા છે પણ ક્યારે કેમ ઉપયોગ કરવો તે માટે આપણે વિવેક કરતા શીખવું પડશે. યુદ્ધનું પરિણામ હંમેશા બન્ને પક્ષે નુકસાન જ હોય છે એટલે ઓછામાં ઓછું નુકસાન થાય તેમજ અનિવાર્ય હોય તો જ અને ત્યારે જ યુદ્ધનું શસ્ત્ર ઊગામવામાં આવે તે આવશ્યક છે. હંમેશા યુદ્ધ માટે જ તત્પર રહેવાથી તો વિનાશ જ થાય છે. અગાઉના બે વિશ્વયુદ્ધોમાં જે હાનિ થઈ હતી તેને વિશ્વ હજુ પણ ભૂલ્યું નથી અને જાે હવે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો આપણે એવા એવા અસ્ત્રો વિકસાવ્યાં છે કે ગણતરીની ક્ષણોમાં જ માનવ જાતિનો સર્વનાશ થઈ શકે છે.

યુદ્ધ હંમેશા પ્રતિરક્ષા માટે જ હોવું જાેઈએ એ પણ જ્યારે અનિવાર્ય હોય. તેમાં નિર્દોષ લોકોનો ઓછામાં ઓછો સંહાર થાય તે બધું જ આપણે ધ્યાનમાં રાખવું જાેઈએ.

પ્રશ્ન: ગાંધીજીએ તો કહ્યું છે કે કોઈ એક લાફો મારે તો બીજાે ગાલ ધરવો. તો પ્રતિકાર કેમ કરવો?

ઉત્તર: ગાંધીજીને પોતાના જન્મનો જે ઉદ્દેશ હતો તેની પૂર્તતા માટે તેમને પણ યુદ્ધ તો કરવાનું જ હતું, તેમણે એકલા હાથે અંગ્રેજ સલ્તનતને ભારતમાંથી હઠાવી કાઢવા માટે લડત શરુ કરી હતી. શરુઆતમાં જ્યારે તેઓ ભારતને આઝાદી અપાવવાની વાત કહેતા હતા ત્યારે લોકો તેમની વાત માની શકે, ભારતને આઝાદી મળે તેવી કલ્પના પણ કરી શકતા નહોતાં. ત્યારે ગાંધીજીએ લડતની શરુઆત કરી એ અશક્યને શક્ય કરવાની શરુઆત હતી. આ માટે કેટલું આત્મબળ જાેઈએ તેની કલ્પના સહેજે કરી શકાય છે. વળી, તેમણે અહિંસાત્મક લડાઈનો માર્ગ અપનાવ્યો. લોહીનું એક ટીપુ પણ વહેડાવ્યા વગર યુદ્ધ લડી શકાય તેવી કોઈને કલ્પના પણ નહોતી.

ભારત દ્વારા વિશ્વને શાંતિ માટે જે સંદેશ આપવાનો હતો એ માટે ઈશ્વરની ઈચ્છાથી આ અહિંસાનો માર્ગ તેમણે લીધો હતો અને તેમને અહિંસાના માર્ગે જ કામ કરવાનું હોવાથી તેમણે અહિંસાની વાત કરી છે. જે સાપેક્ષ સત્ય છે. હવે જાે કોઈ વ્યક્તિને ખરેખર પોતાના જીવનમાં અહિંસામાં સ્થિત થવું હોય તો તે સર્વ જીવો પ્રત્યે સદ્દભાવ રાખે એટલું જ પર્યાપ્ત નથી પણ પોતાના વિરોધીઓ, શત્રુ અને પોતાને હાનિ પહોચાડનારાઓ પ્રત્યે પણ તેઓ પ્રેમ દાખવી શકે અને બદલો લેવાની મનમાં કોઈ જ ઈચ્છા ન થાય ત્યારે એ વ્યક્તિએ અહિંસાને જીવનમાં ઊતારી છે એમ કહી શકાય. આ દૃષ્ટિએ ગાંધીજીનું એ વિધાન છે જે અહિંસાને પચાવવા માગતા લોકો માટે છે. યુદ્ધમાં લડવા કરતા પણ ક્રોધ વગેરે પરિબળોને કાબૂમાં કરવા માટે શૌર્ય અને શક્તિની આવશ્યક્તા પડે છે.

પ્રશ્ન: શું અહિંસા એ નિર્બળતા કે કાયરતા અથવા પલાયનવાદ છે?

ઉત્તર : કામનાઓ-ઈચ્છાઓની જ્યારે પૂર્તિ ન થાય, અહંકાર ઘવાય ત્યારે ક્રોધ જન્મે છે અને આ આવેશ એટલો તો પ્રબળ હોય છે કે વ્યક્તિ તેના કારણે ન કરવાનું પણ કરી બેસે છે. જૂઓ છોને રોજ રોજ કેટલી હત્યાઓ થાય છે? આ આવેશમાં અનેક લોકોને મોતને ઘાટ ઊતારી દેવા માટે જે શક્તિ અને શુરવીરતાની આવશ્યક્તા છે તેનાથી પણ વધારે શક્તિ, શુરવીરતા, પુરુષાર્થ, સામર્થ્યની આવશ્યક્તા આ પ્રકારના આવેગને કાબૂમાં લેવા માટે પડે છે.

તમે રસ્તે જતા હો અને કોઈ કાકરીચાળો કરે તો તમે તેને છોડો જ નહીં પણ ગમે તે થાય તેમ છતા પણ સામેના વ્યક્તિ પ્રત્યે મનમાં સદ્દભાવ જ રહે, ક્રોધ ન થાય એવી શક્તિ કેળવવાનું યુધ્માં લડવા કરતા ઘણું જ મુશ્કેલ છે. આ માર્ગ ખાંડાની ધાર પર ચાલવા બરાબર છે.

માણસને સૌથી મોટામાં મોટો ભય મૃત્યુનો હોય છે. આ ઉપરાંત સામાજિક ભય ને એવા અનેક પ્રકારના ભય તેનામાં પડેલા હોય છે. તેમાંથી મુક્ત થઈને અભય બનવું તે સાચી શુરવીરતા છે. એક અંગ્રેજ મહાત્મા ગાંધીજીની હત્યા કરવા માગતો હતો. આ માટે તેણે પ્રયાસો કર્યા હતા પણ સફળતા મળી નહોતી. ગાંધીજીને આ વિશે જાણ થઈ તો તેઓ મૃત્યુના ભયથી ગભરાયા નહીં. ન તો પોતાને મારવાની પેરવી કરનારને મારી નાખવાની ઈચ્છા થઈ. તેઓ એક દિવસ તેમના નિવાસ સ્થાને એકલા જ ગયા અને તેને કહ્યું હતું કે તે પોતાને મારી નાખવા માગતો હતો તો તેઓ સામેથી જ મરવા માટે આવ્યાં છે અને તે એમની હત્યા કરી શકે છે! આ જાેઈને અંગ્રેજ તો અચંબામાં પડી ગયો અને તેમને પ્રણામ કર્યાં. આવી શક્તિ ગાંધીજીની હતી. તેમણે એ સમયના સમાજના દૂષણોનો પણ વિરોધ કર્યો છે. અસ્પૃશ્યતાના એ વાતાવરણમાં તેમના આશ્રમમાં હરિજનો આવતા, હરિજનોને કૂવામાંથી પાણી ભરવા માટે આંદોલનો કરતા હતા. ગાંધીજીએ દેશમાં આખી સેના ઊભી કરી હતી જેઓ અહિંસાના માર્ગે લડત કરતા હતા. તેઓ દિવસો સુધી પર હિત માટે માત્ર પાણી પર ઉપવાસ કરતા હતા. આ બધામાંથી આપણે કેટલુંક કરી શકીએ છીએ તે જાેઈને તેમની શક્તિનું માપ કાઢી લેવું જાેઈએ. સત્ય અને બ્રહ્મચર્યનું પાલન કરી જૂઓ તો પણ એમની શક્તિ સમજાઈ જશે.

-યોગેશ કવીશ્વર

આ પણ જુઓ